• વાર્તાનું સંસ્કરણ : મારી ધારણાં સાચી પડી મા દીકરીએ એક બીજાનો સ્વબચાવ જ કર્યો હતો
    આર્ટિકલ 27-9-2022 08:45 AM
    લેખક: જયશ્રી પટેલ
     ધારણા ઃ અગાશીમાં ઊભી ઊભી હું જોયા કરતી હતી કે પાછળની વસાહતમાંથી સરકાર બધાંને ખસેડી રહી છે. વિચાર આવ્યો ક્યાં જશે આ બધાં ? બાઈ પણ ત્યાંથી જ આવતી હતી સગુણા નામ હતું. કડક મિજાજની ને શિસ્તવાળી. તે બીજે દિવસે આવી ત્યારે બોલી,” મેમસાહેબ કોઈ સારી બાઈ શોધી કાઢજો મારે તો નહોતું જવું પણ મારા મૂછડે કાગળિયામાં સાહી કરી દીધી. અમને સરસ બે બેડરૂમનું ઘર આપી રહ્યાં છે નવી વસાહતમાં કોલેજની પેલી પા.”

    મેં પણ કહ્યું,” બધાં જાય તો તારે પણ સાથ આપવો જ રહ્યો ને.”

    ખરેખર અઠવાડિયામાં તો વસાહત ખાલી થઈ ગઈ. મારે ત્યાં બીજી વસાહતમાંથી સગુણાની માસી કામે લાગી.એની સાથે હું ટેવાઈ જ ગઈ. મારે પણ કોર્ટ ને કેસ લઢવા માટે ધક્કા રહેતાં. છોકરાઓ બન્ને મોટા થઈ ગયાં હતાં.

    એક સાંજે ટી.વીમાં સમાચાર જોઈ રહી હતી ને ત્યાં જોયું કે નવી વસાહતમાં ડોન સગુણાએ ત્રણ જણની લાશ ઢાળી દીધી. આઠ વરસ વીતી ગયાં હતાં. આમ જોવા જાવ  તો સગુણા યાદોમાં રહી હતી, સંબંધો ઓછા થઈ ગયાં હતાં. ત્યાં અડધો જ કલાકમાં સગુણાની દીકરીનો ફોન આવ્યો કે મા પૂછે છે તેનો કેસ લઢશો ને તાઈ? શું જવાબ આપું? હું પોતે જ અચંબામાં હતી. આખરે તેને મળવાનું નક્કી કર્યું ને તેના વકીલ તરીકે જેલમાં મળવા ગઈ.

    “સત્ય કહેજે” એટલું જ હું બોલી. તેણે વાત શરૂ કરી કે નવી વસાહતમાં બધું સરસ ચાલી રહ્યું હતું. મૂછડ પણ સરસ કામ કરતો. તેના શેઠ હપ્તા ઉઘરાવવા મૂછડને મોકલતો. એમાં જ ચાર પાંચ વર્ષ સરસ વિત્યાં. શેઠની નજર મારી પર પડી ને તેણે મૂછડને હવે મને કામમાં લેવાનું સૂચન કર્યું. પૈસા ચાખી ગયેલો મૂછડ મને જોર જબરજસ્તી આ કામમાં લઈ જવા લાગ્યો હતો. બીજી બાજુ મારી નિરુ મોટી થતી હતી.શાળામાં પહેલે નંબરે પાસ થતી. એને તમારી જેમ વકીલ બનાવવાનું  મારું સપનું હતું બેન. પહેલી વાર એ ટાઈમમાં બેઠી તો મૂછડની નજર પડી. તે કોને ખબર શું વિચારતો હશે નથી જાણતી. હપ્તા ઉઘરાવતા ઉઘરાવતા હવે હું બેન બહુ કઠોર ને મક્કમ થઈ ગઈ હતી. બધાં મને સગુણા ડોન જ કહેવા લાગ્યાં. બેન પરમ દિવસે ઘરે આવી તો જોઉં છું કે મૂછડ સાથે સાથે તેના બન્ને સાથી મારાં ઘરમાં બેઠાં બેઠાં ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યાં હતાં ને દીકરીને ચા મૂકવાનું કહી રહ્યાં હતાં ને દીકરી ડૂંસકા ભરતી ભરતી ચા મૂકી રહી હતી. મને કાંઈ જ ન સૂઝ્યું બસ કબાટ ખોલી ખાનામાંથી તમંચો કાઢી ઠોકી દીધો મૂછડ સાથે સાથે પેલા બેને પણ , બસ ! પોલીસ આવી ને લઈ આવી અહીં . બેન જાણું છું સજા થવાની છે. પણ મારી દીકરીનું જીવન ન બગડે તેથી બોલાવ્યા તમને. હવે બધું તમે સંભાળજો.

    કેસ જોયા પછી લાગ્યું કે સ્વ બચાવ કરતા આ ત્રણેને ગોળી વાગી ગઈ છે એનાથી કેસ લઢવાનું શરૂ તો કરું. કેસ ચાલ્યો બે ત્રણ મહિના સુધી દીકરી નિરુને ઘરે લઈ ગઈ હતી.સામે પક્ષનાં સાક્ષીદારો નરમ પડતાં ગયાં,

    એક દિવસ કેસ હું જીતી ગઈ. નિરુને સગુણાએ ખૂબ ઉપકાર માન્યો. કાલે સવારે બન્ને મા-દીકરી નવી વસાહત તરફ પાછા જવાના હતાં. હું અગાશીમાં બેઠી હતી ને અચાનક નિરુ ઉપર આવી. મારાં પગ પકડી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મેં એની હડપચી ઊંચી કરી કહ્યું, ‘‘એક અક્ષર ન બોલતી, ક્યારેય પણ ! હું જાણું છું તને શું મૂંઝવે છે તે ! તે આશ્ચર્યથી મારી સામે જોતી રહી. રડતી બંધ થઈ ગઈ.’’ બીજે દિવસે સગુણાના હાથમાં મેં મારી ટ્રસ્ટની શાળાની છોકરીઓનાં વસતીગૃહની નોકરીનું કાગળિયું, દીકરીનાં શાળાનાં પ્રવેશનું કાગળ વગેરે આપી કહ્યું  કે નવી વસાહત છોડી દે જે ને વસતીગૃહનું બધું સ્વીકારી લે જે. જેથી વસાહતો ને શેઠિયાઓ તારી દીકરીનો ગેરલાભ ન ઉઠાવે ને તારે ફરી આરોપી ન બનવું પડે. દીકરીને કહ્યું કે કળથી કામ લેવું બળ મુશ્કેલીમાં મૂકી દે.

    મારી ધારણાં સાચી પડી મા દીકરીએ એક બીજાનો સ્વબચાવ જ કર્યો હતો.આખરે મા તો મા જ હોય છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!