• વિવેકી-વાણીથી વિજ્ય પ્રાપ્ત કરી શકાય છે
    આર્ટિકલ 10-3-2023 01:23 PM
    લેખક: વિનોદ માછી
      પૂર્વજન્મના પ્રારબ્ધ કર્મો અનુસાર અમારા જીવનમાં અનેક લોકો મળે છે.કેટલાક દિવસ સુધી સાથે રહે છે,તેમની સાથે સબંધ બને છે,કેટલાક દિવસ સુધી આ સબંધ ચાલે છે અને કેટલાક દિવસ બાદ સબંધ તૂટી જાય છે,ફરી પાછા નવા લોકો આપણા જીવનમાં આવે છે,તેમની સાથે સબંધ બંધાય છે અને કેટલાક દિવસો બાદ તેમની સાથે પણ સબંધ તૂટી જાય છે.
    આવી જ રીતે ઘણા લોકો આપણા જીવનમાં આવે છે,તેમની સાથે સબંધો બંધાતા જાય છે અને તૂટતા જાય છે.ઘણા ઓછા લોકો એવા આપણા જીવનમાં આવે છે કે જેમની સાથે લાંબો સમય સુધી સબંધ બનેલો રહે છે, તેનું શું કારણ છે? કેમ સબંધ તૂટી જાય છે? તેના અનેક કારણો હોય છે તેમાંનું એક મુખ્ય કારણ એ છે કે અમે જ્યારે બીજાઓની સાથે ઉચિત વ્યવહાર નથી કરતા ત્યારે સામાવાળાને તકલીફ થાય છે.તેઓ બે-ચારવાર અમારા દ્વારા પહોંચાડવામાં આવેલ તકલીફોને સહન કરી લે છે પરંતુ સહનશક્તિની પણ હદ હોય છે અને સામાવાળાને લાગે કે આ સબંધથી મને લાભ ઓછો અને તકલીફ વધુ પડવાની છે તેથી તે સબંધને તોડી નાખે છે ભલે તે બહારનો વ્યક્તિ હોય કે ઘરના સદસ્ય હોય.સબંધો લોહીના સબંધથી ટકતા નથી પરંતુ નમ્રતા,સભ્યતા,ધાર્મિકતા,અનુશાસન,ન્યાયપ્રિયતા.. વગેરે ગુણોના આધારે ટકતા હોય છે.સેવા અને સન્માનના આધારે ટકતા હોય છે.જ્યારે સામાવાળાને સન્માન ન મળે,આપણી ભાષામાં સભ્યતા ના હોય, સામાવાળાની આપણે કદર ના કરીએ તો તે સબંધ લાંબો સમય ટકતા નથી એટલે જો અમે લાંબો સમય સુધી સબંધ બનાવવા ઇચ્છતા હોઇએ તો બીજાને સન્માન આપીએ.
    આપે સમાચારપત્રોમાં જાહેરાત વાંચી હશે કે મારા પૂત્ર કે પૂત્રી અમારા કહ્યામાં નથી એટલે તેમની સાથે કાયમ માટે સબંધ કાપી નાખું છું.આજથી તેમની સાથે કોઇએ મારા નામે વ્યવહાર કરવો નહી અને કોઇ આર્થિક નુકશાન થશે તેના માટે હું જવાબદાર નથી એટલે જીવનને સુખમય અને સફળ બનાવવા માટે તમામની સાથે મીઠી ભાષામાં સન્માન અને સભ્યતાપુર્વક વ્યવહાર કરવો.
    સત અને અસતને અલગ-અલગ જાણવા એ વિવેક છે.સત્સંગ વિના વિવેક આવતો નથી અને રામની કૃપા વિના સત્સંગ સહેલાઇથી મળતો નથી.વિવેક બુધ્ધિમાં પ્રગટ થાય છે.બુધ્ધિ ત્રણ પ્રકારની હોય છેઃસાત્વિક,રાજસી અને તામસી.સાત્વિક બુધ્ધિમાં કર્તવ્ય-અકર્તવ્યનું પુરેપુરૂં જ્ઞાન હોય છે..રાજસી બુધ્ધિમાં કર્તવ્ય-અકર્તવ્યનું પુરેપુરૂં જ્ઞાન હોતું નથી અને તામસી બુધ્ધિમાં સર્વ વસ્તુઓનું વિ૫રીત જ્ઞાન હોય છે. લોભથી મનુષ્યની બુદ્ધિ અને વિવેક નાશ પામે છે.
    બ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃ જાણવું, જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું. જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ પરમાત્માનાં સાક્ષાત દર્શન-અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી રામનું નિર્મલ જ્ઞાન અને વિમલ વિવેક થતો નથી.વિવેક એ મનુષ્યની જીવનરૂપી ગાડીની ‘હેડલાઈટ’ છે,એના અજવાળે જ અંધકારરૂપી વિપરીત પરિસ્થિતિઓમાં માર્ગ કાપી શકાય છે.‘ઓવરટેઈક’ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય ત્યારે વિવેક ચૂકવો ન જોઈએ.વિવેકનો ઉપયોગ કરીને માનવીએ નમ્રતાપૂર્વક જીવનમાં આગળ વધવું જોઈએ.
    વિવેકીઓના વિવેક અને ચતુરોની ચતુરાઇની ૫રાકાષ્ટા. તેમાં જ છે કે તેઓ આ વિનાશી અને અસત્ય શરીરના દ્વારા મારા અવિનાશી તેમજ સત્ય તત્વને પ્રાપ્તા કરી લે.(ભાગવત) વિવેક વિનાનું જીવન બ્રેક વિનાના વાહન જેવું છે.વિવેકહીનને મૂર્ખ કહેવાય છે.મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ના હોય ૫રંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે.બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ શ્રદ્ધા છે.ઘણી વાતો જાણવા છતાં ૫ણ ઢાંકી દેવામાં કે ભૂલી જવામાં જ કલ્યાણ હોય છે.સત્ય ૫ણ કલ્યાણકારી હોય તો જ પ્રગટાવવું હિતકર છે.જે સત્યના પ્રગટ થવાથી કોઇનાં જીવન રહેંસાઇ જતાં હોય તેવા સત્યને પ્રગટ કરવું તે વિવેકનું ૫ગલું ના કહેવાય.
    અંતકાળમાં મનુષ્ય જે જે ભાવનું ચિંતન કરતો રહીને શરીરનો ત્યાગ કરે છે તે તે ભાવને જ પ્રાપ્ત  થાય છે.આને જ વિષયરૂપી કૂં૫ળોનું ફુંટવું કહે છે.કૂં૫ળોની જેમ વિષયો ૫ણ દેખાવમાં ખુબ જ સુંદર પ્રતિત થાય છે,જેથી મનુષ્ય તેમાં આકર્ષિત થઇ જાય છે.પોતાના વિવેકથી ૫રીણામ ૫ર વિચાર કરી તેમને ક્ષણભંગુર,નાશવાન અને દુઃખરૂ૫ જાણીને એ વિષયોનો ત્યાગ કરી દેવો જોઇએ.વિષયોમાં સૌદર્ય અને આકર્ષણ પોતાના રાગના કારણે જ દેખાય છે,એટલા માટે વિષયોમાં રાગનો ત્યાગ જ વાસ્તવિક ત્યાગ છે. વિષયો વિષયુક્ત લાડુ સમાન છે.દોષમાં વિષયો કાળા સર્પના વિષથી ૫ણ વધુ તીવ્ર છે કેમ કે વિષ તો ખાવાવાળાને જ મારે છે પરંતુ વિષયોને આંખથી દેખવાવાળાને ૫ણ છોડતા નથી.

અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.