• સળગતી ચિતા કરતાં મનની ચિંતા વધારે બાળે છે
    આર્ટિકલ 12-11-2022 12:07 PM
    લેખક: યોગેશ જોશી
     ગુજરાતી ભાષાના શબ્દોની દ્ષ્ટિએ જોઈએ તો ચિતા અને ચિંતા શબ્દ વચ્ચે ફક્ત એક અનુસ્વારનો જ ફરક છે અને આ અનુસ્વારને કારણે જ બન્ને શબ્દોના અર્થ જુદા જુદા નિકળે છે. ચિતા એટલે સ્મશાનમાં શબને સૂવડાવીને અગ્નિદાહ આપવાની જગા, જ્યારે ચિંતા એટલે માનસિક તનાવ કે સંતાપ.

    ચિંતા શબ્દ ઘણો નાનો છે, પરંતુ તેમાં રહેલો ભેદ બહુ મોટો છે. આજે દુનિયાના તમામ મનુષ્યોને સતાવતો કોઈ વ્યાધિ હોય તો તે ચિંતા છે. આજના આધુનિક, વિકસીત અને ધમાલિયા યુગમાં , કોઈ પણ માણસ ચિંતાથી પર હશે નહીં. નાના, મોટા, તવંગર કે ગરીબ, માલિક કે મજૂર, શિક્ષિત કે નિરક્ષર, સ્ત્રી હોય કે પુરૂષ દરેકને કોઈ ને કોઈ પ્રકારની ચિંતા જરૂરથી સતાવતી હશે. ચિંતા એ એક એવી ધુમાડા વગરની આગ છે કે, જેમાં માનવીની આખી જિંદગી બળીને ખાક થઇ જાય છે. ચિંતા માત્ર બે જ અક્ષરોથી બનેલો શબ્દ છે, પરંતુ એ માનવીને પૂરેપૂરો કોતરી નાંખે છે.ખરેખર તો ચિંતા એ માનવીના મન સાથે જોડાયેલી વ્યથા છે. દુનિયાના દરેક વ્યક્તિને આજની નહીં પરંતુ આવતીકાલની ચિંતા વઘારે સતાવે છે.કોઈપણ વ્યક્તિ એનો ભૂતકાળ પાછો મેળવી શકતો નથી, વર્તમાનમાં સારી રીતે જીવી શકતો નથી અને ભવિષ્ય વિશે જાણતો નથી, છતાંય ભવિષ્યની ચિંતા કરીને નાહકનો દુ:ખી થાય છે. જે ઘટના હજુ ઘટી નથી એના વિશે વિચારોનાં ઘોડા દોડાવી ખોટી ચિંતાઓના પોટલાં પોતાના માથા પર બાંધે છે.પશુ પક્ષીઓને કદીપણ આવતીકાલની ચિંતા હોતી જ નથી, તેથી તેઓ શાંતિથી જીવન ગુજારે છે, જ્યારે મનુષ્યોમાં ઈશ્વરે વિચારશક્તિ, બુદ્ધિ, મોહ, માયા, મમતા, લોભ, લાલચ વિગેરે ગુણો મૂક્યાં છે તેથી માનવી હંમેશા પોતાનો વર્તમાન બગાડી અત્યંત દુ:ખી થવા લાગ્યો છે.

    સળગતી ચિતા કરતાં મનની ચિંતા વધારે ખતરનાક છે, કારણકે ચિતા તો મૃત વ્યક્તિના શરીરને બાળી નાંખે છે, જ્યારે ચિંતા તો જીવતાં મનુષ્યોને પણ બાળી નાંખે છે.

    હકીકતમાં ચિંતા માનવીના મનમાં ખોટા ડર,  ભય કે વ્હેમથી જ પેદા થતી હોય છે. ભય હંમેશા માત્ર ને માત્ર ભ્રામક ધારણાઓ કે બીનજરૂરી તર્કમાંથી જ ઉત્પન્ન થાય છે.ચિંતા કરવાથી માનવીની બુદ્ધિ બહેર મારી જાય છે અને તેની નિર્ણયશક્તિ ખલાસ થઈ જાય છે. ચિંતાઓ કરવાથી માણસ અંદરથી પડી ભાંગે છે, એનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને મનોવિકારનો શિકાર બની જાય છે.આજના માનવીને જાતજાતની ચિંતાઓ સતાવતી હોય છે, જેવી કે કોઈને નોકરીની ચિંતા, કોઈને છોકરાં ભણાવવાની ચિંતા, કોઈને નાણાંની ચિંતા, કોઈને ઘરડાં મા-બાપની ચિંતા, કોઈને સંતાનોનાં લગ્ન કરાવવાની ચિંતા, કોઈને લૂંટાઈ જવાની ચિંતા વિગેરે વિગેરે. વધારે પડતી ચિંતા કરવાથી માનવી તનાવગ્રસ્ત બની જાય છે અને એની સીધી અસર એના સ્વાસ્થ્ય ઉપર પડે છે. માનવી જ્યારે ચિંતાગ્રસ્ત હોય ત્યારે એનું મન વ્યગ્ર અને બહાવરૂ બની જાય છે અને તે કોઈ યોગ્ય કે અટલ નિર્ણય લઈ શકતો નથી. તનાવને કારણે ક્યારેક માનવી અવળા માર્ગે ચડી જાય છે કે આત્મહત્યા જેવાં પગલાં પણ ભરી નાંખે છે.

    દરેક માણસ પછી તે નાનો હોય કે મોટો એ કોઈને કોઈ ચિંતાથી ચોક્કસ ઘેરાયલો હશે.ચિંતા કરવાથી માણસની રાતોની નિંદર પણ હરામ થઈ જાય છે. ચિંતાઓથી માનવીએ દૂર રહેવું હોય તો ખોટાં, ભ્રામક, બીનજરૂરી, અતાર્કિક વિચારોનો ત્યાગ કરવો પડશે.ચિંતન,મનને, યોગ, પ્રાણાયામ, ભજન, કીર્તન વિગેરે કરવાં જોઈએ, જેથી મન શાંત અને પ્રફુલ્લિત રહેશે.માનવી જ્યારે મૃત્યુ પામે છે ત્યારે પણ ચિંતાઓનું પોટલું પોતાની સાથે લઈને જ જાય છે.માનવીના શબને તો સળગતી ચિતા એકવાર બાળીને ભસ્મ કરી નાંખે છે, જ્યારે ચિંતાની આગ માનવીને જીવનપર્યંત બાળતી રહે છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!