• તમે સાચાં છો, પરંતુ દુનિયામાં સાચાં માણસની કદર નથી
  આર્ટિકલ 10-3-2023 01:22 PM
  લેખક: આરતી રામાણી
    વિશ્વ એટલે અવનવાં જીવોથી બનેલો એક સમૂહ અને આ સમૂહનો સૌથી વિચિત્ર જીવ એટલે મનુષ્ય! જેટલા મનુષ્ય એટલા તેનાં વિચારો વળી એ વિચારો પણ અલગ અલગ વહેણમાં વહેતાં હોય છે. કોઈ વહેણની સીધી દિશામાં વહેવાનું પસંદ કરે છે તો કોઈ વહેણથી વિરુદ્ધ દિશામાં વહેવાનું પસંદ કરે છે. કોઈ વહેણ ઉપર તરવાનું પસંદ કરે છે તો કોઈ વહેણની અંદર ડૂબકી લગાવવાનું પસંદ કરે છે. ક્યારેક ક્યારેક આ વહેણ તેને પોતાની સાથે ખેંચી જાય છે તો ક્યારેક માણસ આ વહેણ પર વિજય પણ પ્રાપ્ત કરી લે છે, પરંતુ વિજય એ જ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે જેને વહેણ શું છે, તેની બરાબર જાણકારી હોય. વહેણ કેટલાં વેગનું છે, એ વેગમાં કેટલી તાકાત છે અને તેની તાકાત ક્યારે સમાપ્ત થઈ જશે તેની પૂરેપૂરી જાણકારી હોય તે જ વ્યક્તિ આ વહેણ પર જીત મેળવી શકે છે.
  સૃષ્ટિ પરનો દરેક મનુષ્ય પોતાનાં અલગ અલગ વિચારો સાથે જન્મે છે અને તે વિચારો સાથે જ તે મરણ પામે છે, પરંતુ જીવન અને મરણ વચ્ચે તેનો સંપર્ક ઘણાં એવા મનુષ્યો સાથે થાય છે જેનાં વિચારો પોતાનાં વિચારોથી અલગ હોય જેમકે,
  ૧. અતિ આધુનિક:- ઘણા મનુષ્યોનાં વિચારો અતિ આધુનિક હોય છે જે દરેક બાબતમાં તર્ક શોધે છે અને સમય પ્રમાણે ચાલી, સમયનો સ્વીકાર કરીને આગળ વધવાનુ પસંદ કરે છે. આવી વ્યક્તિ પ્રગતિનો પંથ જાતે કંડારી શકે છે. 
  ૨. પારદર્શક:- ઘણાનાં વિચારો ખૂબ પારદર્શક હોય છે. જેમ પારદર્શક વસ્તુ કોઈપણ રંગની વસ્તુ પર રાખતાં તેનો રંગ ધારણ કરે છે, તેવી રીતે આ પ્રકારનો વિચાર ધરાવતી વ્યક્તિ કોઈપણનાં વિચારોનાં રંગે રંગાઈ જાય છે. તેની પાસે પોતાનાં કોઈ વિચારો હોતાં નથી. આવી વિચારસરણી ધરાવતી વ્યક્તિ હવાથી ઊડતાં તણખલાં જેવી હોય છે, બધી જગ્યાએ અસ્થિર!
  ૩. નિર્દોષ:- ઘણાં મનુષ્યનાં વિચારો એકદમ નાનાં બાળક જેવાં નિર્દોષ હોય છે. જેને કોઈનાં વિચારોની દરકાર હોતી નથી. દુનિયા શું વિચારે છે, શું કહે છે એ બધી વસ્તુઓથી પરે રહી પોતાની અલગ દુનિયામાં તે મસ્ત રહેતા હોય છે. આવી વ્યક્તિ પોતાનું જીવન પોતાની ઇચ્છા અનુસાર અને આનંદ કરતાં કરતાં પસાર કરે છે.
  ૪. મુશળધાર:- ઘણાં મનુષ્યોનાં વિચારો મુશળધાર વરસતા વરસાદ જેવા હોય છે. તમારી પાસે ગમે તેટલી મોટી છત્રી હોય કે પછી રેઇનકોટ પહેરેલો હોય તે તમને પલાળ્યાં વગર જંપશે નહીં. તેમની ધારા એ હદ સુધી હોય છે કે તમે તેનાં વાગવાથી ઘાયલ થયાં વગર બચી નહીં શકો. આવી વ્યક્તિ પોતાની જોહુકમી ચલાવવામાં કાતિલ શિકારી જેવી હોય છે. પોતાનું ચલાવવાં માટે કોઈપણ હદ સુધી જઈ, ગમે તેવાં પેંતરા ઘડી પોતાની વાત મનાવીને જ રહે છે.
  ૫. દાટેલો ખજાનો:- ઘણાં મનુષ્યનાં વિચારો દાટેલા ખજાના જેવા હોય છે. ખૂબ મૂલ્યવાન, ખૂબ કીમતી, પણ કોઈ કોઈનાં હાથે જ લાગવાવાળા! કોઈ કોઈ વ્યક્તિને જ તેમનાં મૂલ્યવાન વિચારો સાંભળવાં કે સમજવાની તક મળે છે. ના... ના... સવાર સવારમાં ટેલિવિઝન ચાલું કરતાં આપણી સમક્ષ પ્રવચનો આપતા મહાન આત્માઓની આ વાત જ નથી. તેમનાં વિચારો તો આથી ઘણાં ઉચ્ચ સ્તરનાં હોય છે! અહીં તો એવી વ્યક્તિઓની વાત છે જેની વાતોમાં એવો મર્મ હોય છે, એવી ગહનતા હોય છે જે પામવી ખૂબ અઘરી છે. એ ગહનતા બધાને ના પચે એ વાત અલગ છે. આવી વ્યક્તિ પોતાની સાથે સંસારનો પણ ઉદ્ધાર કરવાની ક્ષમતા ધરાવે છે.
  ૬. ચોટદાર:- અમુક મનુષ્યનાં વિચારો એટલા સચોટ અને ચોટદાર હોય છે કે આપોઆપ એ વિચારોનો સ્વિકાર થઈ જાય. આવી વ્યક્તિ પોતાની સાચી વાત પર ટકેલી રહે છે અને કોઈ તેને ખોટી સાબિત કરવાની કોશિશ કરે તો તેમને પૂરી લડત આપે છે. આવી વ્યક્તિનાં વિચારો કડવા હોય પણ ગુણકારી હોય છે.
  ૭. ઘણાં મનુષ્યોનાં વિચારો કોઈ મોટાં વૃક્ષની જડ જેવાં હોય છે. વૃક્ષ જેટલું જૂનું તેટલી જ તેની જડ ઊંડી! આવી વ્યક્તિ પોતાની જડતાં પર જ જીવન જીવે છે અને બીજાંને પણ એ જ રીતે જિવાડવા તત્પર રહે છે. આમ કરવાથી આમ થાય, આમ જ કરવું જોઈએ, તેમ ના કરવું જોઈએ, આમ નહીં કરીશ તો તેમ થશે અને આવું તો કંઈ કેટલુંય! આવા માણસો કદી પોતાનાં વિચારો છોડશે જ નહીં. તેને એમ જ લાગતું રહે છે કે તે જે વિચારે છે તે જ સત્ય છે, પથ્થરની લકીર છે, પછી ભલે તેમની વાતમાં મર્મ કંઈ જ ના હોય, પરંતુ તે પોતાની વાત પર જ અડગ રહેશે. 
  વ્યવસાયી રીતે સરકારી કૉલેજનાં પ્રાધ્યાપક એવા ભરૂચનાં એક લેખક ડૉ‌. જશવંતભાઈ રાઠોડે બહુ મજાની વાત કહી છે, “અમુક મશીન એવાં હોય છે જેમાં એકવાર કોઈ એક સૉફ્ટવૅર ઇન્સ્ટોલ થઈ જાય પછી તે મશીનનાં અંત સુધી તે એક જ સૉફ્ટવૅર પર કાર્ય કરી શકે છે. તે મશીનમાં બીજો સૉફ્ટવૅર ઇન્સ્ટોલ કરવાની કોઈ વ્યવસ્થા હોતી જ નથી, તેમાં ઇરેઝનુ બટન કે ફૉર્મેટનું બટન હોતું જ નથી!” પોતાનાં આયુષ્ય કાળ સુધી બસ એક જ સૉફ્ટવૅરને ચલાવ્યાં કરે છે. જડ વિચારોવાળા માણસો પણ આવા જ હોય છે. તે પોતાનાં વિચારોને છોડતા નથી અને જો કોઈ સાચી વ્યક્તિ તેને સમજાવા જશે કે “તમારે આ વિચાર બદલવો જોઈએ” તો એ વ્યક્તિને તે ઉતારી પાડશે કારણ, તેનામાં જૂનાં વિચારોને ઇરેઝ કે ફૉર્મેટ કરવાનું ઑપ્શન ઉપલબ્ધ હોતું જ નથી પરિણામે નવાં વિચારો રુપી સૉફ્ટવૅર તેમાં ઇન્સ્ટોલ કરવું અશક્ય છે. આ પ્રકારનાં માણસો ગમે તેની સાથે ચર્ચામાં ઉતરી પડે અને પોતાની વાત ઠોકી બેસાડવાની કોશિશ કરે છે.
  આમાંથી કોઈ કોઈ પ્રકારની વિચારસરણીવાળા મનુષ્યો બધાંને નડતા નથી, પરંતુ ચોક્કસ પ્રકારનાં મનુષ્યોથી છટકવુ મુશ્કેલ જણાય ત્યારે રસ્તો એક જ છે, આવા માણસો સાથે ચર્ચામાં ઉતરવાને બદલે એક જ વાક્યમાં તેમને જવાબ આપો, “તમે સાચાં છો, પરંતુ દુનિયામાં સાચાં માણસની કદર નથી!” આમ કરવાથી તેનો અહમ્ પણ જળવાઈ રહેશે અને સાથે આપણું સ્વાભિમાન પણ! રાણાને કાણો કહેવાથી રાણાને ફરક પડે કે ના પડે, પરંતુ કાણો કહેનારને સજા અવશ્ય મળશે એ નક્કી છે.
  જડભર્યાં હો જેમનાં વિચારો તેને કોઈ ટોકો મા, ચાલુ વરસાદે છલકે જો ગાગર, કોઈ રોકો મા! મૂલ્યવાન ખજાનો છે તમારો, વ્યર્થ શાને વેડફો?  રાણાને કહી કાણો ખુદને આગમાં ભઈ ઝોકોમાં.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.