• તમે જ તમારા ભાગ્યવિધાતા છો : CA નીતિન પારેખ
    સક્સેસ સ્ટોરી 23-3-2022 08:07 AM
    • કેડિલા હેલ્થકેરના ગ્રૂપ સીએફઓ નીતિન પારેખે ધો.12માં બોર્ડમાં બીજો રેન્ક મેળવ્યો હતો
    • છ મહિનામાં મેં સીએ, આઇઆઇએમ અને એલએલબીની પરીક્ષા આપીને ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા હતા 
    અમદાવાદ

    તમે જ તમારા ભાગ્યવિધાતા છો એવું નીતિન પારેખે જણાવ્યું હતું. 

    કેડિલા હેલ્થકેર લિમિટેડના ગ્રૂપ સીએફઓ નીતિન પારેખે ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારો જન્મ જામનગરમાં થયો હતો અને પ્રથમ બે વર્ષનો અભ્યાસ જામનગરની સરકારી શાળામાં કર્યો હતો અને ત્યારબાદ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડમાં ફરજ બજાવતા પિતા દલસુખરાય ધારશીભાઈ પારેખની બદલી થતાં અમે અમદાવાદ રહેવા આવ્યા હતા અને બાકીનો અભ્યાસ મેં અમદાવાદમાં પૂરો કર્યો હતો. ધો.9 સુધી હું સામાન્ય વિદ્યાર્થી હતો અને ગ્રેસ માર્કસથી હું પાસ થયો હતો. મારું નબળુ પરિણામ આવતાં પિતાએ મને કહ્યું કે જો તું સારા માર્કસ નહિ લાવે તો તારે મીઠુ વેચવાની લારી ચલાવીને ગુજરાન કરવું પડશે. આવું સાંભળીને પહેલાં હું હતાશ થયો પરંતુ પછી મને ભણવાની ચાનક ચઢી અને મેં દ્રઢ નિર્ધાર સાથે ધો.10માં ભણવાની શરૂઆત કરી હતી. જોકે, વીજળીનું બિલ વધુ આવતું હોવાથી મકાનમાલિક મોડી રાત સુધી લાઇટ ચાલુ રાખવા દેતા નહોતા ત્યારે મારા મિત્ર દિલીપ નિમાવતે મને સામેથી કહ્યું ‘તું મારા ઘરે ભણવા આવ’, પરંતુ મારું ઘર નવા વાડજમાં હતું અને દિલીપનું ઘર ચાંદલોડિયા હતું એટલે હું દરરોજ 4.5 કિલોમીટર ચાલીને તેના ઘરે જતો અને સાથે નોટબુક-ચોપડીઓ, યુનિફોર્મ લઈને જતો હતો. હું આખી રાત વાંચતો હતો અને તેના ઘરે જ નહાઈ-ધોઈને સીધો સ્કૂલે જતો હતો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આપણી પાસે અમાપ શક્તિઓ છે જેનો આપણે ઉપયોગ નથી કરતા. ધો.10માં મેં ગણિતના દાખલા 25 વાર સોલ્વ કર્યા હતા અને પરિણામે બોર્ડની પરીક્ષામાં ગણિતનું પેપર  માત્ર સવા કલાકમાં પૂરું કર્યું હતું અને મને 100માંથી 100 માર્ક્સ મળ્યા હતા. આ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. ધો.10માં બોર્ડમાં મારો 297 નંબર આવ્યો હતો અને મેં કુલ 8 વિષયો રાખ્યા હતા. ધો.12માં બોર્ડની પરીક્ષામાં આકરી મહેનતના પરિણામે સમગ્ર રાજ્યમાં બીજો નંબર મેળવ્યો હતો. 

    તેમણે જણાવ્યું કે પછી મેં બીકોમ, એલએલબી, સીએ, સીએફએ, આઇઆઇએમ- અમદાવાદમાંથી એમબીએ અને આઈસીએફએઆઈ યુનિવર્સિટીમાંથી ફાર્મા મૅનેજમેન્ટમાં એમબીએની ડિગ્રીઓ મેળવી હતી. મેં બીકોમમાં યુનિવર્સિટીમાં બીજો રેન્ક, એલએલબીમાં ફર્સ્ટ રેન્ક, સીએ ઇન્ટરમાં ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક અને ભારતમાં પાંચમો રેન્ક, આઈઆઈએમ- અમદાવાદમાંથી એમબીએમાં 12મો રેન્ક મેળવ્યો હતો. માત્ર છ મહિનાના સમયમાં મેં સીએ, આઈઆઈએમ- અમદાવાદ અને એલએલબીની પરીક્ષા આપીને ત્રણેય પરીક્ષામાં સુંદર પરિણામો મેળવ્યા હતા. સીએફએમાં ભારતમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો અને નવમાંથી પાંચ વિષયમાં ભારતમાં સૌથી વધારે માર્ક્સ મેળવ્યા હતા. વર્ષ 2014માં 53 વર્ષની વયે મેં ફાર્મા મૅનેજમેન્ટમાં એમબીએની ડિગ્રી મેળવી હતી અને 18માંથી 14 વિષયોમાં એ ગ્રેડ મેળવ્યો હતો. 

    તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 1985માં હું આશિમા ગ્રૂપમાં જોડાયો હતો અને ત્યાં મેં સતત 23 વર્ષ કામ કર્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી 2009માં હું ઝાયડસ ગ્રૂપમાં સીએફઓ તરીકે જોડાયો હતો અને ત્યારે મને માત્ર ફાઇનાન્સની જવાબદારી આપવામાં આવી હતી અને આજે હું ફાઇનાન્સ ઉપરાંત આઇટી અને લીગલ વિભાગની જવાબદારી પણ સંભાળુ છું. વર્ષ 1987માં મારા લગ્ન થયા હતા અને એવી માન્યતા હતી કે લગ્ન પછી ભણી ન શકાય એટલે મેં સીએફએનો કોર્ષ કર્યો અને ફાઇનલમાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો. ભવિષ્યમાં મારે ફાઇનાન્સમાં પીએચડી કરવું છે, મેનેજમેન્ટ વિષય પર પુસ્તક લખવું છે, મારો કવિતાસંગ્રહ પ્રગટ કરવો છે અને પત્ની રૂપા માટે સમય ફાળવવો છે. મેં મારી મેરેજ એનિવર્સરી અને પત્નીની વર્ષગાંઠ નિમિત્તે આજ સુધીમાં 50થી વધારે કવિતાઓ લખી છે. મને ભણાવવું બહુ ગમે એટલે મેં બે વિષયો ફાઇનાન્સ ફોર નોન ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ્સ અને લીગલ આસ્પેક્ટસ આૅફ બિઝનેસ પર બે દિવસના સેમિનાર યોજીને અમારા સિનિયર સ્ટાફને માર્ગદર્શન આપ્યું હતું. 

    તેમણે જણાવ્યું કે મને આજસુધીમાં સંખ્યાબંધ અૅવોર્ડ મળ્યા છે જેમાં સીએફઓ ઇન્ડિયા તરફથી લીગ આૅફ એક્સેલન્સ 2020 અૅવોર્ડ, વર્ષ 2012માં અને 2017માં હેલ્થકેર સેકટરમાં બેસ્ટ સીએફઓ, ઇન્સ્ટીટ્યુટ આૅફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ આૅફ ઇન્ડિયા દ્વારા પણ બહુમાન કરવામાં આવ્યું હતું. સીએફઓ ઇન્ડિયા દ્વારા આઠ વખત ટોપ 100 સીએફઓમાં મારી પસંદગી કરવામાં આવી હતી. વર્ષ 2015માં SAPએ ટોપ 25 ડિજિટલીસ્ટ થોટ લીડર્સ આૅફ ઇન્ડિયામાં મને પસંદ કર્યો હતો. વર્ષ 2017માં બિઝનેસ વર્લ્ડ દ્વારા બેસ્ટ સીએફઓ આૅફ ઇન્ડિયા અૅવોર્ડ મને એનાયત થયો હતો. આ ઉપરાંત મેં ઇન્સ્ટિટ્યૂટ આૅફ ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ આૅફ ઇન્ડિયા, આઇસીએફએઆઈ બિઝનેસ સ્કૂલ, આઇસીએફએઆઈ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીના એકાઉન્ટન્સી બોર્ડમાં બોર્ડ મેમ્બર તરીકે સેવાઓ આપી છે. હાલમાં હું એડવાઇઝરી બોર્ડ આૅફ અદાણી ઇન્સ્ટિટ્યૂટ આૅફ ઇન્ફ્રાસ્ટ્રકચર મૅનેજમેન્ટમાં કાર્યરત છું. પરીક્ષાની તૈયારી અને યાદશક્તિની યુક્તિઓ સહિત વિવિધ વિષયો પર મારા સંખ્યાબંધ લેખો અગ્રણી અખબારો અને મેગેઝીનોમાં પ્રસિધ્ધ થયા છે. ડન એન્ડ બ્રેડસ્ટ્રીટ, સીએફઓ ઇન્ડિયા, આઇઆઇએમ- અમદાવાદ, આઇઆઇએમ- ઉદેયપુર, સીએ ઇન્સ્ટિટ્યૂટ, કોસ્ટ એન્ડ મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, આઈસીએફએઆઈ બિઝનેસ સ્કૂલ, અદાણી ઇન્સ્ટિટ્યૂટ આૅફ ઇન્ફ્રાસ્ટ્રકચર મૅનેજમેન્ટ, નિરમા યુનિવર્સિટી વગેરેમાં હું નિયમિત લેકચર્સ આપું છું. ધર્મજાગૃતિ કેન્દ્ર દ્વારા સંચાલિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પણ હું નિયમિત વક્તવ્ય આપું છું. 

    તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં હું ધાર્મિક સ્થળો માટે અને આખરે આખા દેશ માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરવા માંગુ છું. મારી દૃષ્ટિએ સફળતાના ચાર તબક્કા છે જેમાં ચાર ડી છે - ડ્રીમ (સ્વપ્ન), ડીઝાયર (ઇચ્છા), ડીટરમિનેશન (મજબૂત મનોબળ) અને ડીડ (કાર્યનો અમલ) આવે છે. મારા પરિવારમાં પિતા સ્વ. દલસુખરાય ધારશીભાઈ પારેખ, માતા વિમળાબહેન, બે બહેનો વર્ષાબહેન મહેતા સ્વસ્તિક સ્કૂલના પૂર્વ શિક્ષક, લીનાબહેન ગૃહિણી, બે ભાઈઓ દિલીપભાઈ એસબીઆઈ ભાવનગરમાં ફરજ બજાવે છે અને પંકજભાઈ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડમાં ફરજ બજાવે છે. આ ઉપરાંત પત્ની રૂપાબહેન ગૃહિણી, પુત્રી ડાૅ.નિયતિ પૂજન પરીખ અને જમાઈ ડાૅ. પૂજન હરિશભાઈ પરીખ જે બંને સ્કીન સ્પેશ્યાલીસ્ટ છે અને પુત્ર વૈભવે આઈઆઈટી વારાણસીમાંથી ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ કર્યું છે અને આઈએસબી હૈદરાબાદમાંથી એમબીએ કર્યું છે, જેને કેમ્પસ ઇન્ટર્વ્યુમાં બેઇન એન્ડ કંપનીમાં જોબ મળી છે એમનો સમાવેશ થાય છે. નીતિનભાઈને બે વર્ષની મિસરી નામે દૌહિત્રી છે. નિયતિ હસ્તા-હસ્તા કહે છે કે ‘‘પપ્પા હવે મિસરી સાથે ભણવાનું ચાલુ કરે તો કહેવાય નહિ !’’
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!