• મહારાષ્ટ્ર અને તીખાં મરચાનો ઇતિહાસ 
    આર્ટિકલ 14-11-2022 09:11 AM
    લેખક: આરતી રામાણી
    આપણે આખો દિવસ તનતોડ મહેનત કરીએ જેથી સારું કમાઈ શકીએ અને સારું જમી શકીએ. તેમાં નાસ્તામા સવારે ગરમાગરમ ચા-ગાંઠિયા, ફાફડા, જલેબી કે કોઈ સારી વાનગી મળે ત્યારે આપણાં દિવસની સુંદર શરૂઆત થાય. બપોરે ખીર-પૂરી, શાક, દાળ-ભાત, ફરસાણ, છાશ, સૂકી મીઠાઈ મળે એટલે આપણી થાળી પૂરી થાય, વળી ઉપરથી મુખવાસ મળે એટલે તો ભગવાન મળ્યા. સાંજે ચા-નાસ્તો અને તેમાં પણ કેટલી જાતની વાનગી! રાતે તો સીધુંસાદું સહેજે ના ચાલે. કોઈને કોઈ વેરાઇટી જ જોઈએ અને એકવાર ખાધેલી વેરાઇટીનું મહિનામાં બીજીવાર પુનરાવર્તન ના થવું જોઈએ, વળી ઘરનું ખાઈને કંટાળી જતાં અઠવાડિયામાં એક વાર તો હોટલનું જ પંજાબી કે ચાઇનીઝ! આ છે આપણી અત્યારની રાજાશાહી જિંદગી!

    હવે વાત કરીએ આશરે પાંત્રીસ-ચાલીસ વર્ષ પહેલાનાં મહારાષ્ટ્રનાં અનેક પછાત ગામોની. ત્યાંનાં જ રહેવાસીઓ પાસેથી સાંભળેલી આ એક હકીકત છે. મહારાષ્ટ્રનાં નાનાં તીખાં મરચાં, જેને આપણે મરચી કે લવિંગિયાં તરીકે ઓળખીએ છીએ, તેની તીખાશ દુનિયાભરમાં જાણીતી છે, પણ તેની પાછળનો ઇતિહાસ આપણે આજે જાણીએ. મહારાષ્ટ્રનાં અનેક પછાત ગામોમાં ગરીબી જાણે પોતાનો કાયમી વસવાટ કરી રહી હતી. ત્યાંનાં રહેવાસીઓ પાસે ત્રણ ટાઇમ જમવાનું પણ મુશ્કેલ નહીં અશક્ય હતું, પરંતુ જીવન જીવવું તો પડે જ! ઈશ્વર પણ કોઈને કોઈ રસ્તો બતાવી જ દેતાં હોય છે. જુવાર, જેને જાર પણ કહે છે, ખૂબ જ સસ્તી હોવાથી ત્યાના રહેવાસીઓ જુવારના રોટલા બનાવતા. એ સમયે દેશી ચૂલા પર રસોઈ બનતી. જો કે હજુ ઘણી જગ્યાએ આ રીતે રસોઈ બને છે. દેશી ચૂલામાં બળતણ તરીકે લાકડાં અને તેને બાળવા તેમાં કેરોસીન જોઈએ. જેમની પાસે જમવા માટે વસ્તું લેવાનાં પૈસા ના હોય, તેમને કેરોસીન ખરીદવું ક્યાંથી પરવડે? તેઓ બળતણનો ખર્ચો બચાવવા ફક્ત સવારે એક જ વાર ચૂલો પ્રગટાવી, તેમા જુવારના રોટલા બનાવતા. એ પણ ફક્ત એક જ દિવસના ત્રણ સમય માટેના નહીં, ત્રણ-ચાર દિવસ ચાલે એ રીતે એકસાથે બનાવતા. 

    રાંધેલું અનાજ કેટલા દિવસ ચાલે? ફૂગ લાગી ના જાય અને જુવારનો એકપણ રોટલો બગડી ના જાય તે માટે તેઓ પોતાના મકાનના પતરા પર તડકામા તેને ખુલ્લા રાખતા. જેથી તડકો લાગતો રહે અને ફૂગ તેમાં પ્રવેશી ના શકે. વિચારો, એક જ વાનગી એ પણ સતત જમવાની! હવે વાત આવી રોટલા સાથે શું જમવું? રોટલો એકલો તો ગળે ઊતરે નહીં, કારણ તેમા ના તો ઘી લગાવેલુ હોય કે ના તો તેલનુ મોણ દીધેલુ હોય. શાક લેવાનાં પૈસા પણ ક્યાંથી કાઢવાં? તો સૂકો રોટલો જમવો શી રીતે? તેનો ઉપાય તેમણે કાઢ્યો, લીલાં તીખાં મરચાં! આ મરચાંની તીખાશ એટલી હદે હોય છે, કે એક જ બટકું ભરતાં મોઢામાંથી તીખાશનાં લીધે પાણી છૂટવા લાગે. મોઢું આખું ભીનું થઈ જાય અને એ ભીનાશમાં જુવારનાં રોટલાનું બટકું ભીનું થઈને ગળાની નીચે ઊતરતું! આ હતો મહારાષ્ટ્રનાં મરચાં સાથેનો સંબંધ. ધીમે-ધીમે સમય થોડો બદલાયો. થોડી ગરીબી ઓછી થતાં ત્યાંનાં લોકોએ રીંગણાનું શાક બનાવવાનું શરૂ કર્યું. જેમાં તીખટ નામનો એક કાળો મસાલો પડે. એ મસાલો પણ તેનાં નામ પ્રમાણે જ તીખાશ ધરાવે. તીખટ નાખી આખો દિવસ ચાલી શકે એટલાં રસાવાળું શાક બનાવી જુવારના સૂકા રોટલા સાથે તેમનું ત્રણ સમયનું ભોજન બને! 

    ભૂખ સંતોષવાને હાટું કેમ કરવા ખર્ચા? 
    નથી પાસ નાણાં, મારે તો ખાલી લીલાં મરચાં! 
    કોરો રોટલો જુવારનો કેમ ઊતરે ગળે? 
    નથી દાળ-શાક, મારે તો ખાલી લીલા મરચાં!

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!