• ભારતનું ક્રુડ આયાત બિલ વાર્ષિક ધોરણે ૧૫.૯૦% નીચું રહી ૧૩૨.૪૦ અબજ ડોલર.
    વ્યાપાર 19-4-2024 10:25 AM
    સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં દેશની ક્રુડ તેલ આયાતની માત્રા ૨૩.૨૫ કરોડ ટન સાથે લગભગ સ્થિર રહી હતી. આયાત વોલ્યુમમાં ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. ગયા નાણાં વર્ષની ક્રુડ તેલની આયાત સતત બીજા વર્ષે કોરોના પહેલાના સ્તર કરતા ઊંચી રહી છે. નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૨.૬૯ કરોડ ટન અને નાણાં વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૯.૬૪ કરોડ ટન આયાત કરાયું હતું. રશિયા ખાતેથી સસ્તા ક્રુડ તેલની આયાતને પરિણામે સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતનું ક્રુડ આયાત બિલ વાર્ષિક ધોરણે ૧૫.૯૦% નીચું રહી ૧૩૨.૪૦ અબજ ડોલર આવ્યું છે. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં દેશનું ક્રુડ તેલ આયાત બિલ ૧૫૭.૫૦ અબજ ડોલર રહ્યું હતું. ૨૦૨૨-૨૩માં ક્રુડ તેલના આયાત બિલમાં વાર્ષિક ધોરણે ૩૦.૪૦% વધારો થયો હતો એમ સરકારી આંકડા જણાવે છે.

    દેશમાં ક્રુડ તેલના કુલ વપરાશમાં ૮૭.૭૦% આયાત પર નિર્ભર રહેવું પડયું હતું. નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં આયાત નિર્ભરતામાં અગાઉના બે નાણાં વર્ષની સરખામણીએ વધારો જોવા મળ્યો છે. માર્ચમાં રશિયા સતત ૧૮માં મહિને ક્રુડ તેલનો સૌથી મોટો પૂરવઠેદાર દેશ રહ્યો હતો. પ્રતિ દિન ૧૩.૬૦ લાખ બેરલ સાથે રશિયા ખાતેથી માર્ચની આયાત માસિક ધોરણે ૭% ઊંચી રહી હતી. યુક્રેન પર આક્રમણ બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધ મૂકયા છે જેમાં તેની પાસેથી ક્રુડ તેલની ખરીદી માટેના ભાવ પર પણ નિયમન લાગુ કરાયા છે. પ્રારંભિક સમયમાં ઊંચા ડિસ્કાઉન્ટ બાદ ભારતને રશિયાના ક્રુડ તેલ પરના ડિસ્કાઉન્ટમાં ઘટાડો થયો છે.

    જોકે, ભારતની આયાત નિર્ભરતા નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૮૭.૭%ની નવી ઊંચી સપાટીએ પહોંચી હતી, જે અગાઉના બે વર્ષમાં ૮૭.૪ અને ૮૫.૫% કરતાં વધુ હતી. પેટ્રોલિયમ ઉત્પાદનોના વપરાશની ગણતરીના આધારે માર્ચ મહિનામાં ક્રૂડ ઓઈલની આયાત પર નિર્ભરતા વધીને ૮૮% થઈ ગઈ છે. વિશ્લેષકોએ અગાઉ આગાહી કરી હતી કે યુએસએ ૨૩ ફેબ્રુઆરીએ રશિયાના મુખ્ય ટેન્કર જૂથ સોવકોમફ્લોટ પર નવા પ્રતિબંધો લાદ્યા પછી આયાત ઓછી રહેશે. યુક્રેન પર રશિયાના હુમલાના બે વર્ષ પૂરા થવાના અવસર પર આ જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ભારતને રશિયા તરફથી મળતું સરેરાશ ડિસ્કાઉન્ટ હવે સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!