• ઈર્ષ્યા કરવી એ માનવનો સહજ સ્વભાવ છે : યોગેશ જોશી
    આર્ટિકલ 20-6-2022 12:15 PM
    યોગેશ જોશી

    ઈર્ષ્યા કરવી એ માનવનો જન્મજાત સ્વભાવ છે. કોઈપણ વ્યક્તિ ઈર્ષ્યાથી પર નહીં હોય, જાણે અજાણે દરેક વ્યક્તિથી કોઈ ને કોઈ વ્યક્તિની ચોક્ક્સપણે ઈર્ષ્યા થઈજ જાય છે.એટલું જરૂર છે કે કોઈ વ્યક્તિમાં ઈર્ષ્યાનું પ્રમાણ વધારે હશે તો કોઈ વ્યક્તિમાં ઓછું હશે, પરંતુ કોઈ પણ વ્યક્તિ છાતી ઠોકીને પ્રમાણિકપણે નહીં કહીં શકે કે તે પોતે ઈર્ષ્યાળુ નથી અથવા એણે ક્યારે પણ કોઈની ઈર્ષ્યા કરી નથી. ઈર્ષ્યાનું મૂળ ઉદ્દગમ સ્થાન અસંતોષ છે. માણસમાં જ્યારે અસંતોષનો ભાવ જાગે છે, પછી ધીમે ધીમે તે ઈર્ષ્યામાં પરિવર્તિત થઈ જાય છે. ઈર્ષાળુ વ્યક્તિ આપણને દરેક જગ્યાએ જોવા મળે છે, પછી તે ઘર હોય, કુટુંબ હોય, આડોશી પડોશી હોય, નોકરી કે ધંધાનું સ્થળ હોય કે પછી મિત્રો હોય દરેકને ક્યારેક તો ઈર્ષ્યાના ભોગ બનવું જ પડ્યું હશે.દા.ત ઘરમાં માતા-પિતા નાના પુત્ર ઉપર વધારે વહાલ વરસાવતાં હશે કે કોઈ વસ્તુ નાનાભાઈ ને અપાવશે તો મોટાભાઈને તરતજ ઈર્ષ્યા થઈ જશે. બાજુમાં રહેતો પડોશી કાર ખરીદશે કે પોતાના ઘરમાં અવનવી સજાવટ કરશે તો તેનો પડોશી ઈર્ષ્યાથી બળી જશે. સરકારી કે ખાનગી કંપનીમાં નોકરી કરતા બે કર્મચારીઓ એક સરખું જ્ઞાન, આવડત અને કૌશલ્ય ધરાવતા હોય, બન્નેનું કામ તથા જવાબદારી એકસરખાં જ હોય અને જો ‘ અ’ નામના કર્મચારીને પ્રમોશન કે પગાર વધારો મળશે તો ‘બ’ નામનો કર્મચારી ઈર્ષ્યાથી બળી જશે. બે મિત્રોમાં એક મિત્રની પત્ની સાધારણ દેખાવની હશે અને બીજા મિત્રની પત્ની ખૂબસૂરત અને એકદમ દેખાવડી હશે તો જેની સાધારણ દેખાવની પત્ની છે એ મિત્ર રૂપાળી પત્નીવાળા મિત્રની જરૂરથી ઈર્ષ્યા કરે છે. એવું નથી કે ઈર્ષ્યા મનમાં ને મનમાં થાય છે, કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ પાસે જઈને પણ ઈર્ષ્યાની આગ ઑકે છે.

    કહેવાય છે કે, દેવો પોતે પણ ક્યારેય ઈર્ષ્યાથી પર રહ્યા નથી અને ધણાં પ્રસંગો એવા બન્યાં છે કે જાણેઅજાણે એક દેવથી બીજા દેવની ઈર્ષ્યા થયેલી છે. દક્ષ પ્રજાપતિએ પોતાની ૨૪ પુત્રીઓનું પાણિગ્રહણ ચંદ્ર સાથે કરાવ્યું હતું , પરંતુ ચંદ્રને તો ૨૪ પત્નીઓમાંથી રોહિણી પ્રત્યે સૌથી વિશેષ પ્રેમ અને લગાવ હતો, આથી સ્ત્રી સહજ ઈર્ષ્યાથી પીડાઈને બાકીની ૨૩ બહેનોએ દક્ષરાજાને ચંદ્ર વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને દક્ષરાજાએ ચંદ્રને શાપ આપ્યો હતો. રૂક્મણિએ રાધાજીની ઈર્ષ્યા કરી હતી તો દ્રૌપદી એ સુભદ્રાની ઈર્ષ્યા કરી હતી.વિશ્વામિત્ર ઋષિએ પણ મુનિવર વશિષ્ઠની ઈર્ષ્યા કરી હતી. અર્જૂને એકલવ્યની ઈર્ષ્યા કરી હતી. ઈર્ષ્યાની લાયમાં કેટલાંય યુદ્ધો અને ધિંગાણાઓ થઈ ગયા અને કેટલીય જાનહાનિ થયેલી છે. આમ ઈર્ષ્યા કરવાની પરંપરા યુગો પુરાણી છે.

    કહેવાય છે કે પુરૂષો કરતાં સ્ત્રીઓમાં ઈર્ષ્યાનુ પ્રમાણ વધારે હોય છે. અરે, એક બહેન પણ પોતાની નાની કે મોટી બહેનની ઈર્ષ્યા કરવામાં જરાય પાછીપાની કરતી નથી. ઈર્ષ્યા એટલે અદેખાઈ (કોઈનું સારું કે સુખ જોઈ કે ખમી ન શકાય એવો અંતરનો મનોભાવ) .

    આપણાં જ્ઞાની, ધ્યાની મહાપુરૂષો તથા ઋષિમુનિઓએ ઈર્ષ્યાને આગ સાથે સરખાવી છે. આગ તો માણસને એકજ વાર બાળી મૂકે છે, જ્યારે ઈર્ષ્યાની આગ માણસને જીવે જાગે ત્યાં સુધી બાળતી રહે છે. ઈર્ષા કે અદેખાઈ કરવાથી ઈર્ષાળુ વ્યક્તિ પોતાનું જ પતન નોતરે છે.
    (ખાઈમાં પડેલો વ્યક્તિ કદાચ બચી શકે,   પરંતુ અદેખાઈમાં પડેલો વ્યક્તિ ક્યારેય  ન બચી શકે).
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!