• વિશેષ : ખતરામાં તમારો અહમ્ છે
    આર્ટિકલ 11-10-2022 12:16 PM
    લેખક: આરતી રામાણી (એન્જલ)
    ભારત વિવિધ સંસ્કૃતિનું પ્રતીક છે. અવનવાં લોકો, દરેકની અલગ ભાષા, અલગ પહેરવેશ અને અલગ ધર્મ‌. આ જ બધું તો ભારતમાં વિવિધતામાં પણ એકતા સ્થાપે છે, વળી મજાની વાત તો એ છે, કે દરેક ધર્મના અલગ તહેવારો ભારતનાં બધાં જ લોકો એકસાથે મળીને ઊજવે છે અને સૌથી ગર્વની વાત કરીએ તો દરેક ધર્મના અલગ અલગ ભગવાન! જે તેમના ધર્મના અનુયાયીઓને ફક્ત મોક્ષ માર્ગે વળવા, દયાભાવના રાખવા અને માનવતા રાખવા પ્રેરે છે, પણ શું ખરેખર તેમના અનુયાયીઓ એ પ્રમાણે વર્તે છે? 

    ઇતિહાસ સાક્ષી છે. ભારતમાં ધર્મનાં નામે કેટલાંય યુદ્ધો થયાં અને એ તમામ યુદ્ધ દરમિયાન ઘણાં જ નિર્દોષ લોકોનાં જીવનો ભોગ લેવાયો! શું કોઈ ધર્મના ભગવાન તેમના અનુયાયીઓને નિર્દોષ લોકોના કતલ કરવાનું કહે? કે પછી તેમનાં અનુયાયીઓ જ પોતાનાં ખોટા દંભને પોષવા આ રસ્તે વળે છે? આપણાં દેશની દયનીય પરિસ્થિતિ કહીએ તો આ છે; કોઈ એક ધર્મના ભગવાનને કંઈ કહો એટલે એ ધર્મના અનુયાયીઓ તરત જ તલવાર, મશાલ, બોમ્બ લઈને નીકળી પડે કતલેઆમ કરવા અને એ નિર્દોષ જીવોનો ભોગ લઈ લે જેમને એ જ ધર્મના ભગવાન, કે જેમના નામ પર તેઓ બધુ રક્તરંજિત કરવા નીકળી પડ્યા હોય તેમણે જ બનાવ્યા છે, તો આમાં ભગવાનની લાજ ક્યાં રહી? ધર્મની લાજ ક્યાં રહી? આ ઉપર કાજલ ઓઝા વૈદ્યએ ખૂબ સારી વાત કહી છે, “ક્યારેય કોઈએ ભગવાને અંદરો અંદર લડતા જોયા છે? એક ભગવાનને બીજા ભગવાનથી એમ કહેતા જોયા છે, કે આ મારો એરિયા છે, તું અહીં નહીં?” ખરેખર સમજવા જેવી વાત કહી છે તેમણે. ભગવાન ખરેખર અનિમેષ છે. માન, અપમાન, આદર, તિરસ્કાર આ બધા જ દુર્ગુણોથી તે વિમુક્ત છે. તેમને કંઈ જ ફરક નથી પડતો કોઈ શું કહે છે. 

    ક્યારેક ધર્મ કે ભગવાનના નામ પર યુદ્ધ કરતા આ વ્યક્તિઓને આમ કરવાનુ કારણ પૂછીએ તો કહેશે, “અમારાં ભગવાન ખતરામાં છે!” અરે! ભગવાન અને ખતરામાં? કોનાથી? ભલા માણસ, જેમણે આ સૃષ્ટિ બનાવી, આપણને બનાવ્યા, લાખો કરોડો જીવોને બનાવ્યા એ ખતરામા છે? જેમની ઇચ્છા વિરુદ્ધ એક પાંદડુ પણ હલી શકતુ નથી એ ખતરામા? એ ધારે તો એક જ ક્ષણમા સૃષ્ટિ પરથી હવા, પાણી એ બધુ જ ખેંચી લઈને પૃથ્વીને ધ્વંસ કરી શકે તેમ છે. 

    બધાનો વિનાશ કરી શકે તેમ છે. જે સૌથી તાકાતવર છે, એ ખતરામા છે? અથવા કહેશે “અમારો ધર્મ બચાવવા અમે આ કરી રહ્યા છીએ!” ધર્મને બચાવવો છે? કોનાથી? જે ધર્મ તમને અત્યાર સુધી બચાવતો આવ્યો છે અને આગળ પણ નરકમા જતા બચાવવા પૂરી કોશિશ કરશે, એ ખતરામા છે? હકીકત તો એ છે; ખતરામાં નથી ભગવાન કે નથી ધર્મ, ખતરામા તમારો અહમ્ છે, જેને તમે ભગવાન કે ધર્મના નામે પોષી રહ્યા છો. ભગવાનને કે ધર્મને આવા કોઈ ઢોંગી વ્યક્તિઓ પાસે પોતાની રક્ષા કરાવવાની શી જરૂર? એ પોતે જ પોતાની રક્ષા કરવા સંપૂર્ણ સક્ષમ છે. શક્ય હોય તો તમારી અંદર મરી રહેલી આત્માને બચાવો, માનવતાને બચાવો અને લાખો નિર્દોષ લોકોના ધર્મ કે ભગવાનના નામે કતલ કરવા કરતા, તેમના નામે ભીતર જે અહમ્ પોષી રહ્યા છો તેનુ કતલ કરો, તમારા ખોટા દંભનુ કતલ કરો એટલે ભગવાન અને ધર્મ આપો આપ જ સુરક્ષિત રહેશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!